ખેતી
1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન 1. કૃષિને અસર કરતાં પરિબળો જણાવો.
ઉત્તર: કૃષિને અસર કરતાં પરિબળો આ પ્રમાણે છેઃ
- સુધારેલાં બિયારણો,
- જંતુનાશકો,
- સિંચાઈની ઉન્નત સગવડો,
- ટપક સિંચાઈ પદ્ધતિ,
- ફુવારા પિયત પદ્ધતિ,
- ખાતરો,
- કૃષિમંત્રો વગેરે
પ્રશ્ન 2. ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને શી મદદ કરે છે?
ઉત્તરઃ નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઇલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 (કિસાન કોલ સેન્ટર), સરકારનાં ખેડૂત વૅબપોર્ટલ, ઈ-ખેડૂત અને Agri Market જેવી મોબાઇલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનિકો અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે. આ ઉપરાંત, કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રશ્ન 3. ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે?
ઉત્તર: ગુજરાતમાં થતા મુખ્ય પાકો : બાજરી, ઘઉં, ડાંગર, જુવાર, મગફળી, કપાસ, શેરડી, તમાકુ વગેરે પાકો; કેરી, કેળાં, ચીકુ, પપૈયાં, દ્રાક્ષ, સ્ટ્રૉબરી, નાળિયેરી વગેરે ફળો; ચણા, મગ, મઠ, અડદ, તુવેર વગેરે કઠોળ તેમજ મરચાં, જીરુ, વરિયાળી, ઇસબગુલ, રાઈ વગેરે મસાલા.
પ્રશ્ન 4. કૃષિના પ્રકારો ક્યા કયા છે?
ઉત્તર: કૃષિના પ્રકારો આ પ્રમાણે છેઃ
- જીવનનિર્વાહ ખેતી,
- સ્થળાંતરિત (ઝૂમ) ખેતી,
- સઘન ખેતી,
- સૂકી ખેતી,
- આદ્ર ખેતી અને
- બાગાયતી ખેતી. તો
પ્રશ્ન 5. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે?
ઉત્તર: વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરજ, મહુડો, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલાં, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 6. તફાવત આપોઃ બાગાયતી ખેતી – સઘન ખેતી
અથવા
બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તર: બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે :
પ્રશ્ન 7. જૈવિક કીટનાશકોમાં શેનો શેનો ઉપયોગ થાય છે?
ઉત્તર: જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ (બૅક્ટરિયા), વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જેવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે. તેમાં જીવાણુઓ લગભગ 90 % હિસ્સો ધરાવે છે.
પ્રશ્ન 8. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?
ઉત્તર: ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.
2. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે?
A. બાગાયતી ખેતીમાં
B. ઝૂમ ખેતીમાં
C. સઘન ખેતીમાં
D. આદ્ર ખેતીમાં
ઉત્તર: B. ઝૂમ ખેતીમાં
પ્રશ્ન 2. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી?
A. લીમડાનો
B. કારેલાંનો
C. તમાકુનો
D. બિલાડીના ટોપનો
ઉત્તર: D. બિલાડીના ટોપનો
પ્રશ્ન ૩. દિવેલા(એરંડા)નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?
A. બ્રાઝિલ
B. ભારત
C. ચીન
D. શ્રીલંકા
ઉત્તર: B. ભારત
પ્રશ્ન 4. ‘ઘઉંનો કોઠાર’ કયા રાજ્યને કહેવામાં આવે છે?
A. પંજાબને
B. ગુજરાતને
C. હરિયાણાને
D. ઉત્તર પ્રદેશને
ઉત્તર: A. પંજાબને
3. નીચેના વિધાનોનાં ભૌગોલિક કારણો આપો:
પ્રશ્ન 1. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.
ઉત્તરઃ રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી, ખેતપેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય પર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે; મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ, રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.
પ્રશ્ન 2. જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.
ઉત્તર: જે-તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે.
પ્રશ્ન 3. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.
ઉત્તર: જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ પાક પર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઇયળના ખોરાક સાથે તેનાં આંતરડાંમાં પહોંચે છે. એ ઝેરી પ્રોટીન ઇયળનાં આંતરડામાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઇયળ મરી જાય છે. આમ, જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે. પરિણામે એ જીવાતોનો નાશ થાય છે. તેથી કૃષિપાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફનું વલણ વધી રહ્યું છે.
પ્રશ્ન 4. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.
ઉત્તર: ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી –
- પાણીની 40 %થી 60 % સુધીની બચત થાય છે.
- પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી છોડનાં વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે.
- ખાતરની 25 %થી 30 % સુધીની બચત થાય છે.
- મજૂરી ખર્ચ ઓછો થાય છે.
- અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે.
- નીંદણ ઓછું થવાથી નિંદામણનાશક દવાઓનો અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે.
- જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ-જીવાત ઓછી આવે છે.
- વીજળીની આશરે 30% થી 35 % સુધીની બચત થાય છે.
- જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીનાં કામો કરવાની સરળતા રહે છે.
ઉપર્યુક્ત કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બની છે.
4. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:
(1) ખેતી
(2) બાગાયતી ખેતી
(3) સૂકી ખેતી
(4) આદ્ર ખેતી
ઉત્તર:
(1) ખેતી : જે પ્રવૃત્તિમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી’ કહેવામાં આવે છે. ખેતીને “કૃષિ’ પણ કહેવામાં આવે છે.
(2) બાગાયતી ખેતી: બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને કરવામાં આવતી ખેતી ‘બાગાયતી ખેતી’ કહેવાય છે. બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. આ ખેતીમાં રબર, ચા, કૉફી, કોકો, નાળિયેરી વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે. તદુપરાંત, અહીં સફરજન, કેરી, સંતરાં, દ્રાક્ષ, આંબળાં, લીંબુ, જામફળ, બોર, ખારેક (ખલેલા) વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે.
(3) સૂકી ખેતી: જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને ‘સૂકી ખેતી’ કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.
(4) આદ્ર ખેતી: જે વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આદ્ર ખેતી’ કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે.
5. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ……………………….. સ્થાન ધરાવે છે.
2. સઘન ખેતીને …………………….. ખેતી પણ કહે છે.
3. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ………………………. જિલ્લામાં થાય છે.
4. વિશ્વમાં આશરે ……………………… % લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.
5. કપાસની કાળી જમીન ……………………… ના નામે પણ ઓળખાય છે.
ઉત્તર: 1. પ્રથમ 2. વ્યાપારી 3. જૂનાગઢ 4. 50 5. રેગુર
6. ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1. સઘન ખેતી
ઉત્તર: સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે. જ્યાં સિંચાઈની સારી સગવડ છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ-ઉત્પાદન કરી શકે છે. તેથી તે સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતનાં બિયારણો, ખેતીની નવી ટેકનોલૉજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વગેરેનો વ્યાપક ઉપયોગ કરે છે અને વધુ ને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી ‘સઘન ખેતી’ કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેમાં હેક્ટરદીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે, પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે. સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે, તેથી હું તેને ‘વ્યાપારી ખેતી’ પણ કહે છે.
ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી થાય છે.
પ્રશ્ન 2. ખેતીનો વિકાસ
ઉત્તર: ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તીની છે અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ-ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો સાથે જોડાયેલ છે. ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી છે શકાય છે. જેમ કે, વાવેલા ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સગવડોમાં સુધારાઓ કરીને, તે ખાતરોનો ઉપયોગ કરીને, વધારે ઊપજ આપતાં બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે. લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય છે.
ખેતી ક્ષેત્રે થયેલો સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખેતીના વિકાસમાં સહાયક બન્યો છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેતપેદાશોનો સંગ્રહ કરવા દેશના જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરી છે.
હાલમાં સરકાર ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન (TV), વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઇલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551 (કિસાન કોલ સેન્ટર), સરકારના ખેડૂત વેબપોર્ટલ, ઇ-ખેડૂત, Agri Market જેવી મોબાઇલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનિકો અને માર્ગદર્શન પૂરું પાડે છે. નામદાર ગુજરાત સરકાર પ્રતિવર્ષે કૃષિમેળાઓ યોજીને રાજ્યના ખેડૂતોને કૃષિવિષયક માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડે છે. આ બધા પ્રયત્નો દ્વારા પણ કૃષિનો ઉત્તરોત્તર વિકાસ થાય છે.
પ્રશ્ન 3. ડાંગર
ઉત્તર: ડાંગર એ વિશ્વનો અને ભારતનો ખૂબ મહત્ત્વનો અને મુખ્ય ખાદ્યપાક છે. વિશ્વની અને ભારતની મોટા ભાગની વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે.
ડાંગરના પાકને ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા તથા 100 સેમી કે તેથી વધારે વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ડાંગરની ખેતીમાં યંત્રોનો ઉપયોગ થઈ શક્તો નથી. તેથી તેની ખેતી માટે વધુ મજૂરોની જરૂર પડે છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે. ભારત, જાપાન, શ્રીલંકા વગેરે ડાંગરના અન્ય મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા વગેરે ડાંગરનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં થાય છે.
પ્રશ્ન 4. કાળી જમીન
ઉત્તર: કાળી જમીન ચીકણી અને ફળદ્રુપ હોય છે. તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી સંઘરી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાઈ જાય છે ત્યારે તેમાં ફોટો કે તિરાડો પડી જાય છે. કાળી જમીન કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તે ‘કપાસની કાળી જમીન’ તરીકે ઓળખાય છે. તે ‘રેગુર’ નામે પણ જાણીતી છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ જેવા પાકો તેમજ અડદ જેવો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે.
પ્રશ્ન 5. ટપક સિંચાઈ પદ્ધતિ
ઉત્તર: ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષકતત્ત્વો(દ્રવ્યો) ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અસર કરે છે. ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી, પાણીને છોડના છેક મૂળ સુધી સીધું જ પહોંચાડવાનો છે.
ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી છોડને પાણી પહોંચાડવામાં આવે છે. જે-તે ક્ષેત્રમાં પાણી અને પોષકતત્ત્વોનું ‘ડ્રિપરલાઇન્સ’ તરીકે ઓળખાતી પાઈપો દ્વારા વિતરણ કરવામાં આવે છે. તેમાં ડ્રિપર’ તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રિપર પાણી અને ખાતરો મિશ્રિત ટીપાંને બહાર કાઢે છે. એ ટીપાં દરેક છોડના મૂળ સુધી જાય છે. આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની ગોઠવણી, જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેની પર રહેલો છે. જો આ પદ્ધતિનો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની અન્ય પદ્ધતિઓની તુલનામાં વધારે અસરકારક રહે છે. ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ’ પણ કહેવામાં આવે છે. બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા કપાસ, એરંડા, શેરડી વગેરે પાકો તેમજ શાકભાજી અને ફળોના પાકોને ટપક પિયત પદ્ધતિ અનુકૂળ છે.
ટપક સિંચાઈ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી –
- પાણીની 40 %થી 60 % સુધીની બચત થાય છે.
- પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એકસરખા પ્રમાણમાં છોડનાં મૂળ સુધી પહોંચે છે. તેથી છોડનાં વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે.
- ખાતરની 25 %થી 30 % સુધીની બચત થાય છે.
- મજૂરી ખર્ચ ઓછો થાય છે.
- અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે.
- નીંદણ ઓછું થવાથી નિંદામણનાશક અને દવાઓનો મજૂરીનો ખર્ચ ઘટી જાય છે.
- જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ-જીવાત ઓછી થાય છે.
- વીજળીની આશરે 30 %થી 35 % સુધીની બચત થાય છે.
- જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીનાં કામો કરવાની સરળતા રહે છે. આ બધાં કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ એ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ ગણાય છે.
ઉત્તરઃ
- ઘઉ: 1. અમદાવાદ 2. પાટણ 3. ભાવનગર 4. સુરેન્દ્રનગર
- ડાંગર: 1. સુરત 2અમદાવાદ 3. પંચમહાલ 4. ડાંગ 5. તાપી 6. દાહોદ
- બાજરીઃ 1. બનાસકાંઠા 2. સાબરકાંઠા 3. કચ્છ 4. અમરેલી
- પાસઃ 1. સુરેન્દ્રનગર 2. રાજકોટ 3. વડોદરા 4. સાબરકાંઠા 5. ભાવનગર
- મગફળીઃ 1. જૂનાગઢ 2. ગીર સોમનાથ 3. રાજકોટ 4. અમરેલી 5. ભાવનગર
- દિવેલાઃ 1. બનાસકાંઠા 2. મહેસાણા 3. પાટણ 4. જૂનાગઢ 5. અમરેલી 6. સાબરકાંઠા 7. સુરેન્દ્રનગર 8. રાજકોટ નોંધઃ દરેક પાકમાં દર્શાવેલા જિલ્લાઓમાં સંજ્ઞા વડે પાક દર્શાવવો.
ઉત્તરઃ
- ઘઉં પકવતાં રાજ્યો: 1. પંજાબ 2. ઉત્તર પ્રદેશ 3. હરિયાણા 4. બિહાર
- ડાંગર પકવતાં રાજ્યોઃ 1. પશ્ચિમ બંગાળ 2. તમિલનાડુ 3. આંધ્ર પ્રદેશ 4. તેલંગણા
- બાજરી પકવતાં રાજ્યોઃ 1. રાજસ્થાન 2. ગુજરાત ૩. ઉત્તર પ્રદેશ 4. મહારાષ્ટ્ર
- કપાસ પકવતાં રાજ્યોઃ 1. મહારાષ્ટ્ર 2. ગુજરાત 3. તેલંગણા 4. કર્ણાટક
- મગફળી પકવતાં રાજ્યોઃ 1. ગુજરાત 2. મહારાષ્ટ્ર છે 3. આંધ્ર પ્રદેશ 4. તમિલનાડુ
[નોંધઃ દરેક પાકના ઉત્તરમાં બે રાજ્યોનાં નામ લખવાનું જણાવ્યું છે. પરંતુ બીજાં બે રાજ્યોનાં નામ આપવામાં આવ્યાં છે, તો એ રાજ્યોમાં પણ જે-તે પાકની સંજ્ઞા દર્શાવવા વિનંતી.]
No comments:
Post a Comment
Thanks for comment.....!!!